લોસ એન્જેલસમાં ભયાનક દાવાનળ, 1 લાખ લોકો ઘર છોડી ભાગ્યા, સેંકડો ઘરો બળીને ખાખ, 5ના મોત

લોસ એન્જેલસમાં ભયાનક દાવાનળ, 1 લાખ લોકો ઘર છોડી ભાગ્યા, સેંકડો ઘરો બળીને ખાખ, 5ના મોત

લોસ એન્જેલસમાં ભયાનક દાવાનળ, 1 લાખ લોકો ઘર છોડી ભાગ્યા, સેંકડો ઘરો બળીને ખાખ, 5ના મોત

Blog Article

લોસ એન્જેલસની આજુબાજુના જંગલમાં મંગળવારની રાત્રે લાગેલી ભીષણ આગ બુધવારે હોલિવૂડ હિલ્સ સુધી ફેલાઈ હતી. આ ભયાનક આગમાં અત્યાર સુધી ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને સેંકડો ઘરો બળીને ખાખ થયા છે. 100,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હરિકેનના વેગ સાથેના પવનોને કારણે અગ્નિશામક કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. પ્રેસિડન્ટ બાઇડને મોટી આપત્તિ જાહેર કરી હતી અને ઇટાલીનો પ્રવાસ રદ કર્યો કર્યો હતો.

ફાયર ચીફ ક્રિસ્ટિન ક્રોલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બુધવારે સાંજે હોલીવુડ હિલ્સમાં નવી આગ ફાટી નીકળી હતી અને તેનાથી વધુ લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં જંગલી આગની સંખ્યા વધીને છ થઈ હતી.હોલીવુડ હિલ્સમાં સનસેટ આગથી બુધવારે 50 એકર (20 હેક્ટર) વિસ્તાર બળીને ખાખ થયો હતો. હેલિકોપ્ટરથી પાણીનો મારો ચલાવવામાં આવતા જ્વાળાઓ થોડી કાબુમાં આવી હતી.

લોસ એન્જેલસ ફાયર વિભાગે હોલીવુડ બુલવર્ડ, મુલ્હોલેન્ડ ડ્રાઇવ, 101 ફ્રીવે અને લોરેલ કેન્યોન બુલવર્ડ વિસ્તારના લોકો માટે સ્થળાંતરનો આદેશ જારી કર્યો હતો. આ તમામ વિસ્તારો હોલિવૂડના જાણીતી સેલિબ્રિટીના ઘરના સરનામા છે. આ વિસ્તારમાં ડોલ્બી થિયેટર છે, જ્યાં ઓસ્કાર યોજાય છે.

લોસ એન્જેલસના પશ્ચિમ દિશામાં આવેલા પેલિસેડ્સમાં ભયાનક દાવાનળથી 15,832 એકર (6,406 હેક્ટર) વિસ્તાર તથા સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચેની હિલ્સમાં સેંકડો બાંધકામો બળીને ખાખ થયા હતા. પૂર્વમાં સાન ગેબ્રિયલ પર્વતોની તળેટીમાં ઇટોન ફાયરે અન્ય 10,600 એકર (4,289 હેક્ટર) વિસ્તાર અને અન્ય 1,000 બાંધકામોની ભસ્મીભૂત કર્યા હતા. અહીં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતાં

AccuWeather નામની એજન્સીએ આ દાવાનળમાં $50 બિલિયનથી વધુના આર્થિક નુકસાનનો પ્રારંભિક અંદાજ મૂક્યો હતો. આગને કારણે બુધવારે 1 મિલિયન ઘરો અને બિઝનેસિસમાં વીજળી ગૂલ થઈ હતી. ઓછામાં ઓછા ગુરુવાર સુધી સમગ્ર લોસ એન્જલસ કાઉન્ટીમાં શાળાઓ બંધ કરાઈ હતી.

લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બીજા છ રાજ્યોના અગ્નિશામકોને કેલિફોર્નિયામાં મોકલવામાં આવી રહ્યા છે. 1,000 કર્મચારીઓ સાથેની વધારાની 250 એન્જિન કંપનીઓને ઉત્તરી કેલિફોર્નિયાથી દક્ષિણ કેલિફોર્નિયામાં ખસેડવામાં આવી રહી છે.

લોસ એન્જેલસની આજુબાજુના જંગલમાં મંગળવારની રાત્રે લાગેલી ભીષણ આગ ઝડપથી રહેણાંક વિસ્તારોમાં ફેલાતા હજારો લોકો પોતાના ઘર છોડીને ભાગ્યાં હતાં. આ પ્રચંડ આગમાં અનેક ઘરો બળીને ખાખ થયા હતા અને એકસાથે હજારો લોકો ભાગી રહ્યાં હોવાથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. હોલિવૂડ સેલિબ્રિટી સહિત આશરે 30,000 વધુ લોકો તેમના ઘર છોડીને ભાગ્યા હતાં. 1,000થી વધુ ઘરો, વ્યવસાયો અને અન્ય ઇમારતો બળી ગઈ હતી અને લોસ એન્જેલસ કાઉન્ટીમાં ઓછામાં ઓછા બે લોકો મોત થયાં હતાં. વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસના લોસ એન્જેલસ ખાતે નિવાસસ્થાને પણ ખાલી કરવાનો આદેશ અપાયો હતો.

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમે ઇમર્જન્સની જાહેરાત કરી હતી. સૌ પ્રથમ લોસ એન્જેલસના નેચર પ્રિઝર્વ નજીક મંગળવારે સાંજે ફાટી નીકળેલી આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ હતી કે સિનિયર લિવિંગ સેન્ટરના સ્ટાફે ડઝનેક રહેવાસીઓને વ્હીલચેર અને હોસ્પિટલ બેડમાં પાર્કિંગની લોટમાં લઈ જવા પડ્યાં હતા.
આના થોડા કલાકો પછી ઘણા સેલિબ્રિટી રહે છે તેવા પેસિફિક પેલિસેડ્સની આજુબાજુ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તારમાં પણ આગ બેકાબુ બનતા લોકોએ ભાગદોડ ચાલુ કરી હતી અને સસ્તાઓ જામ થઈ ગયા હતા. તેનાથી ઘણા લોકો પોતાના વ્હિકલ છોડીને ભાગ્યાં હતા.

પેલિસેડ્સ ડ્રાઇવ પર ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી વ્હિકલો પણ અટકી પડ્યા હતા. ત્યજી દેવાયેલી કારોને બાજુ પર ધકેલવા અને રસ્તો બનાવવા માટે બુલડોઝર લાવવામાં આવ્યાં હતા. પેસિફિક કોસ્ટ હાઇવેની આજુબાજુના ઘરો અને બિઝનેસનો બળીને ખાખ થઈ રહ્યા હોય તેવા ઘણા વીડિયા બહાર આવ્યા હતાં. લોકો તેમના બાળકો અને બેગ સાથે કારમાંથી બહાર નીકળી રહ્યા હતા, તેઓ રડતા અને ચીસો પાડી રહ્યા હતાં.

ગવર્નર ગેવિન ન્યૂઝમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે ઘણા ઘરો બળી ગયા છે.ત્રીજી આગ આશરે રાત્રે 10.30 વાગ્યે સાન ફર્નાન્ડો વેલીમાં ચાલુ થઈ હતી. તેનાથી પડોશના સિલ્માર વિસ્તારના લોકોનું ઝડપથી સ્થળાંતર ચાલુ થયું હતું. સત્તાવાળાઓએ ત્રણેય આગના કારણોની તપાસ ચાલુ કરી હતી. ઓરેન્જ સિટીના સાન્ટા આના તરફથી પ્રતિ કલાક 97 કિમીની ઝડપથી પવન ફુંકાતા જ્વાળાઓ વધુ ઝડપથી ફેલાઈ હતી. સાંજ સુધીમાં જ્વાળાઓ પડોશી વિસ્તાર માલિબુમાં ફેલાઈ ગઈ હતી અને ત્યાં ઘણા લોકો દાઝી ગયા હતા. એક ફાયર ફાઈટરને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

પ્રેસિડન્ટ જો બાઇડને ઇનલેન્ડ રિવરસાઇડ કાઉન્ટીની મુલાકાત રદ કરવી પડી હતી. બાઇડન લોસ એન્જેલસમાં રહેવું પડ્યું હતું. તેમની હોટેલમાંથી ધુમાડો દેખાતો હતો. પ્રેસિડન્ટને જંગલની આગ વિશે માહિતીગાર કરાયા હતા. ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કેલિફોર્નિયાને આર્થિક મદદ મંજૂર કરી હતી.

Report this page